કાલીદાસ તે વખતે પ્રવાસ પર હતા. અને ભોજના દરબારમાં પ્રતિષ્ઠાનપુર નો પંડિત આવ્યો. તેણે રાજાને કહ્યું કે તમારા પંડિતોને મારી સાથે શાસ્ત્રાર્થ કરવા દો અને જો હું જીતુ તો મને માનપત્ર આપો કે હું સૌથી વિદ્વાન છું. ભોજને ખબર પડી કે કાલિદાસ નથી તેથી જ આ પંડિત અહિં આવ્યો છે. અને કાલિદાસ સિવાય તેની સાથે શાસ્ત્રાર્થ કોણ કરી શકે? અને તેને તેવું માનપત્ર આપવું પણ વ્યાજબી ન હતુ.
ભોજ ચિંતામાં નદી તીરે ફરતા હતા ત્યાં ગાંગો તૈલી મળ્યો. તેણે રાજાને ચિંતાનું કારણ પુછ્યું. રાજાએ નાછુટકે બધુ કહ્યુ. ગાંગો તૈલી વિચારીને કહે કોઇ ચિંતા કરો મા. તેની સાથે શાસ્ત્રાર્થ હું કરીશ. રાજાને થયુ આ ગાંગો તૈલી શું કરવાનો હતો. મારા દરબારમાં મોટા મોટા પંડિતો છે જે કશુ કરી શક્તા નથી તો ગાંગો તૈલી શું કરશે. ગાંગાએ કહ્યું કે તમે નગરમાં વાત ફેલાવી દો કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે ચર્ચા કરશે.
રાજા પાસે બીજો કોઇ ઊપાય પણ ન હતો. તેથી તેણે જે થાય તે થવા દો માની નગર માં જાહેરાત કરી કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે તે વાદવિવાદ કરશે.
બીજા દિવસે ગાંગો તૈલી બની ઠની ને સભામાં આવ્યો. પંડિત તો કાલિદાસના ગુરુ આવ્યા છે સમજીને મનમાંજ હારી ગયો હતો. રાજાએ વાદવિવાદ શરુ કરવાનું કહ્યુ.
પંડિતે એક આંગળી ઉંચી કરી. ગાંગાએ બે આંગળી બતાવી.
પંડિતે પાંચ આંગળી બતાવી. ગાંગાએ મુઠી બતાવી.
પંડીત ઉભો થઇને ગાંગાને પગે લાગ્યો અને રાજાને કહ્યુ કે પોતે હારી ગયો છે. આમની સાથે વાદવિવાદ કરવા જેવું બીજુ કશુ છે નહી. બધા આશ્ચર્ય પામ્યા કે વાત થઇ શું અને પંડિત હાર્યો કેવી રીતે.
આથી રાજાએ પંડીતને પાછળથી બોલાવી પુછ્યુ કે શાસ્ત્રાર્થ શું થયો?
પંડીતે કહ્યુ કે કાલિદાસના ગુરુને મારાથી તો શુ પુછાય? તેથી મેં એક આંગળી ઉંચી કરી કે તત્વ એક જ છે – શિવ. તેમણે બે આંગળી ઉંચી કરી કહ્યુ કે તે દ્વેત રૂપે વ્યાપ્ત છે – શિવ અને શક્તિ, જગત અને જગદીશ, પરમાત્મા અને પ્રકૃતિ.
મેં પાંચ આંગળી બતાવી કે તેને સમજવ માટે પાંચ ઇન્દ્રીયો છે. તો તેમણે મુઠ્ઠી બતાવી કે બધી ઇન્દ્રીયો કાબૂમાં હોવી જોઇએ.
રાજાએ તેને ખુશ થઇ ઇનામ આપી જવા દીધો. પછી ગાંગાને બોલાવ્યો કે તે શાસ્ત્રાર્થ શુ કર્યો?
ગાંગાએ પોતાની અદામાં જ કહ્યુ કે આ બધા પંડિતો ડરપોક છે. હું એક આંખે કાણો છુ તેથી તેણે એક આંગળી બતાવી કે મારી એક આંખ ફોડી નાંખશે. મેં તેને બે આંગળી બતાવી કે હું તારી બન્ને આંખ ફોડી નાંખીશ. પછી તેણે પંજો બતાવ્યો કે તે મને લાફો મારશે તો મે તેને મુઠ્ઠી બતાવી કે હુ તને મુક્કો મારીશ. બસ, તે ડરીને હારી ગયો.
રાજાએ ગાંગાને પણ ઇનામ આપી વિદાય કર્યો.
તાત્પર્ય: વિદ્વાન માણસ કોઈ પણ વાતને પોતાની રીતે સમજે છે અને તેનો સાચો અર્થ કરે છે. સજ્જન માણસો સાનમાં સમજી જાય છે. આપણામાં રહેલી ઇન્દ્રીયો ભગવાને બનાવેલી છે. તેથી તે સજ્જન છે. તે આપણા પર આધિપત્ય જમાવીને બેઠી છે. જો આપણે ભગવાનનું નામ પણ લઇશુ તો તે સમજી ને પંડિતની માફક હારી જશે.
[Ref: Swadhyay Pravachan]

No comments yet
Comments feed for this article