કર્ણાટક ના એક બ્રાહ્મણની વાત છે. તે સાત્વિક અને બ્રહ્મના નિયમો જીવનમાં સાકારિત કરીને સાચુ બ્રાહ્મણ જીવન જીવતો હતો. શિક્ષણથી પોતાની સામાજિક જવાબદારી પુરી કરતો. એક તત્વનિષ્ઠ બ્રાહ્મણ તરીકે તેની ખ્યાતિ આજુબાજુ ફેલાયેલી હતી.

ત્યાંના રાજાએ કોઇ યજ્ઞ કરાવ્યો અને બધા બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેને તેના મંત્રીઓએ કહ્યું કે બીજા બધા તો ઠીક પણ જો આ બ્રાહ્મણ તમારે ત્યાં આવે તો તમને સાચું પુણ્ય મળશે. તેથી રાજાએ તેને બોલાવવા લોકો મોકલ્યા. પણ બ્રાહ્મણે વિવેક પૂર્ણ કહ્યું કે હુ મફતનું લેતો નથી તેથી હું કદી આ રીતે જમવા જતો નથી. રાજાના લોકોએ આવું રાજાને કહ્યુ તેથી બધાને થયું કે તેને કદાચ દક્ષિણા વધારે જોઇતી હશે તેથી તે ના પાડે છે. આથી મંત્રી ખુદ બ્રાહ્મણને બોલાવા ગયો. તેણે કહ્યું કે રાજા તને ઘણી દક્ષિણા આપશે. પણ બ્રાહ્મણે સભ્યતાથી ના પાડી. મંત્રીએ છેવટે કહ્યું કે જો તમે આવો તો તમને ચાલીસ હજાર સોનામહોર દાનમાં મળશે. તો પણ બ્રાહ્મણે ના પાડી. તેથી મંત્રીએ કહ્યું કે તમને ભાન છે? દક્ષિણામાં ચાલીસ હજાર સોનામહોર આપનાર યજમાન તમને ક્યાં મળવાનો હતો? બ્રાહ્મણે કહ્યું કે મને ચાલીસ હજાર આપનાર તો મારી સામે બેઠો છે, પરંતુ તમને ના પાડનાર બ્રાહ્મણ બીજો ક્યાં મળવાનો હતો?

સાર: સાચો બ્રાહ્મણ આવો હતો જે અયાચક વ્રત ધરી ને રહેતો અને મફતનું ના લેતો. તેનું જ નામ ખરી તેજસ્વીતા.

[Source: Swadhyay Pravachan]