જનક રાજાએ એકવાર યજ્ઞ કર્યો. યજ્ઞના અંતે ઋષિઓની પરિક્ષા કરવા તેમણે કહ્યું કે – મારે દાનમાં ૧૦૦૦ ગાયો આપવાની છે. (ત્યારે ગોદાન એટલે જેને વાછરડુ આવી શકે તે ગાય આપવાની અને તેની સાથે ગાયના એક વર્ષ સુધીના ખોરાકની વ્યવસ્થા પણ કરી આપવાની). પરંતુ જે જ્ઞાની હોય તે આ ગાયો લઇ જાય.

સભામાં કોઇ ઋષિ ગાયો લેવા આગળ આવ્યો નહિં. કારણ કે ‘હું જ્ઞાની છું’ એવું કહેવું એ જ અજ્ઞાન છે. આથી જો કોઇ ઋષિ એવું કહે કે હું જ્ઞાની છું તો અજ્ઞાની ઠરે અને તો ગાયો લઇ જવાય નહિ.

યાજ્ઞવલ્કય પણ આ સભામાં હતા. તેમણે જોયું કે જો કોઇ બ્રાહ્મણ આગળ નહિ આવે તો તેનો અર્થ એ પણ થશે કે જનકની સભામાં કોઇ જ્ઞાની છે જે નહિ. એટલે તેઓ આગળ આવ્યા અને બધા આશ્ચર્યમાં પડયા કે શું યાજ્ઞવલ્કય ને જ્ઞાન નો અર્થ ખબર નથી કે પોતાને જ્ઞાની ગણે છે? યાજ્ઞવલ્કયે કહ્યું કે હું જ્ઞાની નથી પરંતુ આ ગાયો લઇ જવાનો અધિકારી હું ચોક્કસ છું આથી આ ગાયો હું લઇ જઇશ.

આ પછી દરેક બ્રાહ્મણ તેમની સામે આવ્યા અને શાસ્ત્રાર્થ કર્યો જે જીતી ને યાજ્ઞવલ્કય ગાયો લઇ ગયા.

સાર: સાચા જ્ઞાનનું પહેલું પગથિયું એટલે એવું માનવું કે હું જ્ઞાની નથી.

[Source: Swadhyay Pravachan]