જનક રાજાએ એકવાર યજ્ઞ કર્યો. યજ્ઞના અંતે ઋષિઓની પરિક્ષા કરવા તેમણે કહ્યું કે – મારે દાનમાં ૧૦૦૦ ગાયો આપવાની છે. (ત્યારે ગોદાન એટલે જેને વાછરડુ આવી શકે તે ગાય આપવાની અને તેની સાથે ગાયના એક વર્ષ સુધીના ખોરાકની વ્યવસ્થા પણ કરી આપવાની). પરંતુ જે જ્ઞાની હોય તે આ ગાયો લઇ જાય.

સભામાં કોઇ ઋષિ ગાયો લેવા આગળ આવ્યો નહિં. કારણ કે ‘હું જ્ઞાની છું’ એવું કહેવું એ જ અજ્ઞાન છે. આથી જો કોઇ ઋષિ એવું કહે કે હું જ્ઞાની છું તો અજ્ઞાની ઠરે અને તો ગાયો લઇ જવાય નહિ.

યાજ્ઞવલ્કય પણ આ સભામાં હતા. તેમણે જોયું કે જો કોઇ બ્રાહ્મણ આગળ નહિ આવે તો તેનો અર્થ એ પણ થશે કે જનકની સભામાં કોઇ જ્ઞાની છે જે નહિ. એટલે તેઓ આગળ આવ્યા અને બધા આશ્ચર્યમાં પડયા કે શું યાજ્ઞવલ્કય ને જ્ઞાન નો અર્થ ખબર નથી કે પોતાને જ્ઞાની ગણે છે? યાજ્ઞવલ્કયે કહ્યું કે હું જ્ઞાની નથી પરંતુ આ ગાયો લઇ જવાનો અધિકારી હું ચોક્કસ છું આથી આ ગાયો હું લઇ જઇશ.

આ પછી દરેક બ્રાહ્મણ તેમની સામે આવ્યા અને શાસ્ત્રાર્થ કર્યો જે જીતી ને યાજ્ઞવલ્કય ગાયો લઇ ગયા.

સાર: સાચા જ્ઞાનનું પહેલું પગથિયું એટલે એવું માનવું કે હું જ્ઞાની નથી.

[Source: Swadhyay Pravachan]

Advertisements

કર્ણાટક ના એક બ્રાહ્મણની વાત છે. તે સાત્વિક અને બ્રહ્મના નિયમો જીવનમાં સાકારિત કરીને સાચુ બ્રાહ્મણ જીવન જીવતો હતો. શિક્ષણથી પોતાની સામાજિક જવાબદારી પુરી કરતો. એક તત્વનિષ્ઠ બ્રાહ્મણ તરીકે તેની ખ્યાતિ આજુબાજુ ફેલાયેલી હતી.

ત્યાંના રાજાએ કોઇ યજ્ઞ કરાવ્યો અને બધા બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેને તેના મંત્રીઓએ કહ્યું કે બીજા બધા તો ઠીક પણ જો આ બ્રાહ્મણ તમારે ત્યાં આવે તો તમને સાચું પુણ્ય મળશે. તેથી રાજાએ તેને બોલાવવા લોકો મોકલ્યા. પણ બ્રાહ્મણે વિવેક પૂર્ણ કહ્યું કે હુ મફતનું લેતો નથી તેથી હું કદી આ રીતે જમવા જતો નથી. રાજાના લોકોએ આવું રાજાને કહ્યુ તેથી બધાને થયું કે તેને કદાચ દક્ષિણા વધારે જોઇતી હશે તેથી તે ના પાડે છે. આથી મંત્રી ખુદ બ્રાહ્મણને બોલાવા ગયો. તેણે કહ્યું કે રાજા તને ઘણી દક્ષિણા આપશે. પણ બ્રાહ્મણે સભ્યતાથી ના પાડી. મંત્રીએ છેવટે કહ્યું કે જો તમે આવો તો તમને ચાલીસ હજાર સોનામહોર દાનમાં મળશે. તો પણ બ્રાહ્મણે ના પાડી. તેથી મંત્રીએ કહ્યું કે તમને ભાન છે? દક્ષિણામાં ચાલીસ હજાર સોનામહોર આપનાર યજમાન તમને ક્યાં મળવાનો હતો? બ્રાહ્મણે કહ્યું કે મને ચાલીસ હજાર આપનાર તો મારી સામે બેઠો છે, પરંતુ તમને ના પાડનાર બ્રાહ્મણ બીજો ક્યાં મળવાનો હતો?

સાર: સાચો બ્રાહ્મણ આવો હતો જે અયાચક વ્રત ધરી ને રહેતો અને મફતનું ના લેતો. તેનું જ નામ ખરી તેજસ્વીતા.

[Source: Swadhyay Pravachan]

એક કોઇ સન્યાસી કોઇ શેઠના બંગલામાં ભિક્ષા માંગવા જઇ રહ્યો હતો. પરશાળમાં કોઇ કૂતરો બાંધેલો હતો. કૂતરાએ સન્યાસીને જોઇને ભસવાનું ચાલુ કર્યુ. સન્યાસીએ કહ્યું કે તારે તો ચોરને ભસવું જોઇએ હું તો સન્યાસી છું.

કૂતરાએ કહ્યું કે મને આદેશ છે કે કોઇ પણ બે પગ વાળું અજાણ્યું મનુષ્ય અહિં આવે તો મારે ભસવું. મને સન્યાસી શું તે ખબર નથી.

સન્યાસીએ કહ્યું કે જો બીજા બધા મનુષ્યો ખાવાનું પોતે કમાઇ છે જ્યારે હું મારા અન્નની ચિંતા કરતો નથી. રોજની ભિક્ષા માંગીને ખાંઉ છું.
કૂતરાએ કહ્યું કે હું પણ મારા અન્નની ચિંતા કરતો નથી. હું તો સાંજની ખાવાની પણ ચિંતા કરતો નથી અને અત્યારેં જે મળે તે ખાઇ લઉં છું.

સન્યાસીએ કહ્યું કે પણ હું બધાની માફક ખૂબ વસ્ત્રો પહેરતો નથી. હું એક જ વસ્ત્ર રાખું છુ અને પહેરું છું.

કૂતરાએ કહ્યું કે હું તો વસ્ત્ર પહેરતો જ નથી. તો આપણામાં ફર્ક શું?

સાર: બે પરસ્પર વિરોધી વસ્તુ બાહ્ય દેખાવથી સરખી લાગતી હોય છે. બાહ્ય રીતે કૂતરામાં અને સન્યાસીમાં કોઇ ફર્ક ન હોય પરંતુ તાત્વિક રીતે સહુ જાણે છે કે તેમાં શું ફર્ક છે. તેવી જ રીતે સંપૂર્ણ મૂર્ખ અને સંપૂર્ણ જ્ઞાનીની બાહ્ય કૃતિ સમાન દેખાઇ શકે છે.

[Source: Swadhyay pravachan]

એક કોઇ બ્રાહ્મણ સમુદ્ર સ્નાન માટે ગયો. સમુદ્ર સ્નાન ઘણું પવિત્ર ગણવામાં આવ્યું છે. પરંતુ તેના હાથમાં એક લોટો હતો. નહાવા જતી વખતે લોટો ક્યાં રાખવો? આથી તેણે સમુદ્રની રેતીમાં છુપાવી દેવાનો વિચાર આવ્યો. લોટાને રેતીમાં દાટ્યો. પરંતુ હવે લોટો ક્યાં છે તે કેવી રીતે ખબર પડે? તેથી તેણે નિશાની તરીકે તેના પર શિવલીંગ બનાવ્યું અને ચિંતા મુક્ત થઇને નહાવા ગયો.

ત્યાં બીજા લોકો હતા તેમણે લોટાને ન જોયો પરંતુ બ્રાહ્મણને રેતીનું શિવલીંગ બનાવતા જોયો. તેમને થયું કે સમુદ્રસ્નાનનું તો મહત્વ છે જ, પણ રેતીનું શિવલીંગ બનાવીને સમુદ્રસ્નાન કરવાનું ઘણુ વધારે મહત્વ હોવું જોઇએ તો જ આ બ્રાહ્મણ આવું કરે. તેથી લોકો પણ શિવલીંગ બનાવીને સ્નાન કરવા માટે જવા લાગ્યાં. થોડીવારમાં બ્રાહ્મણ બહાર આવ્યો તો એટલા બધા શિવલીંગ હતા કે પોતાના લોટા વાળું શિવલીંગ મળે નહી.

સાર: લોકો કારણ સમજ્યા વગર જ રિતરીવાજો કે ધર્મ પાળે છે. એકે કર્યુ તેથી બીજો કરે છે અને આવું જ ચાલી આવે છે.

[Source: swadhyay pravachan]

એક દિવસ શંકરાચાર્યએ “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા” પર પ્રવચન આપ્યું અને બીજા દિવસે સવારે નહાવા નીકળ્યા. રસ્તામાં કોઇ હાથી ગાંડો થયો હતો અને શેરી વચ્ચે નિરંકુશ દોડતો નીકળ્યો. લોકો બધા ભાગીને બીજી બાજુ જતા રહ્યા જેથી હાથી સીધો નીકળી જાય. શંકરાચાર્ય પણ બાજુ પર ખસી ગયા. હાથી જતો રહ્યો. પરંતુ કોઈ ટીખળી યુવાને આ જોયું અને શંકરાચાર્ય ને પુછ્યું કે તમે ગઇ કાલે તો “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા” પર પ્રવચન આપ્યું – તે મુજબ આ હાથી તો મિથ્યા છે તો પછી તેનાથી ડરીને કેમ ખસી ગયા? શંકરાચાર્ય તેની ટીખળ સમજી ગયા અને કહ્યું કે જો હાથી મિથ્યા છે તો પછી મારું ખસવું પણ મિથ્યા જ છે. હું તો ખસ્યો જ ન ગણાઉં.

સાર: દરેક તત્વજ્ઞાનીમાં ઇહલોક અને પરલોક ને સમજવાની દક્ષતા હોવી જોઇએ. પરલોકની વાત કરીને સમાજના વ્યવહારું જ્ઞાનની ઉપેક્ષા કરી શકાય નહિ.

[Source: swadhyay pravachan]

કોઇ રાજ્યમાં ચોરી વધી ગઇ. લોકોના ધનની ખુલ્લેઆમ લુંટ થતી. સ્ત્રીઓ માટે ઘરેણા પહેરી ને ફરવાનું મુશ્કિલ બની ગયું. આથી રાજાએ કાયદો બહાર પાડ્યો કે સ્ત્રીઓએ ઘરેણા પહેરી બહાર નીકળવું નહી. થોડા દિવસ લોકોએ કાયદો પાળ્યો. ફરીથી સ્ત્રીઓ પહેરવા માંડી અને ચોરી વધવા લાગી.

કાયદાનું પાલન બરાબર થતું ન હતુ. આથી રાજાએ પ્રધાનોને પુછ્યું કે પાલન કેવી રીતે કરાવવું જોઇએ. છેવટે એક પ્રધાને કાયદો સુધારાવ્યો – કે સ્ત્રીઓને ઘરેણા પહેરવાની મનાઇ છે પરંતુ વેશ્યાઓને છુટ છે. આ પછીથી સ્ત્રીઓને પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો તેથી કાયદો આપમેળે પળાવા લાગ્યો.

સાર: કોઇ પણ કાયદો તે કેવી રીતે પળાવાનો છે તે જોઇને બનાવવો જોઇએ. પ્રતિષ્ઠા માટે લોકો કાયદો પણ પાળી શકે છે. અને પ્રતિષ્ઠા ના ગુમાવાતી હોય તો લોકો કાયદો ના પણ પાળે.

[From swadhyay pravachan]

કોઇ રાજ્યમાં રાજા ફરવા નીકળ્યા. એક જગ્યાએ એક સૈનિકને રસ્તા પર ઉભેલો જોયો તેથી તેને બોલવી પુછ્યું કે તું અહીં શું કરે છે? તેણે કહ્યું કે ચોકી કરું છું. રાજાએ પુછ્યું શાની? તો તેણે કહ્યું કે તેને ખબર નથી. આથી રાજાએ તેના ઉપરીને બોલાવી પુછ્યું. ઉપરીએ કહ્યું કે આ જગ્યા ચોકીદારી માટે પહેલેથી નક્કી કરેલી છે, પણ શા માટે તે ખબર નથી. રાજાએ મુખ્ય પ્રધાન સુધી બધાને પુછ્યું પણ કોઇને ખબર ન હતી. ત્યાં વર્ષોથી ચોકીદાર ચોકી કરતો અને આજે પણ કરે છે.

રાજાએ પુરા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે શું કોઇને ખબર છે કે આ ચોકીદાર આ જગ્યાએ શા માટે કે શાની ચોકી કરે છે? છેવટે એક ૯૦ વર્ષના માજી રાજા પાસે આવ્યા અને કહ્યું કે એક દિવસ તમારા દાદા અને તેમના નવા પત્ની ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એક ફુલનું ઝાડ ઉગેલું હતુ. નવા રાણીને તે ફુલ ગમી ગયાં તેથી રાજાને વાત કરી કે આ ઝાડની રક્ષા કરો અને તેને પાણી પાવાનો પ્રબંધ કરો.  આથી તે રાજાએ ત્યાં એક ચોકીદાર ઉભો રાખી દીધો. ઝાડ પણ જતું રહ્યું, રાજા પણ જતા રહ્યા અને રાણી પણ જતા રહ્યા પરંતુ ચોકીદાર એક પછી એક નવા ત્યાં મુકાતા ગયા.

સાર: રિવાજ અને કાયદા કોઇ કારણસર બને છે પરંતુ પેઢી દર પેઢી તેનું મૂળ કારણ ભુલાતું જાય છે અને આંધળુકિયા અનુકરણ થાય છે.
[Source: swadhyay pravachan]

કોઇ એક કુંભાર ગધેડો વેચતો હતો. એક ગધેડાનો ભાવ ૧૦ રૂપિયા અને બીજાનો ભાવ ૧૧૦ રૂપિયા હતો. લોકોને આશ્ચર્ય થયું. અલ્યા, આટલો બધો ફરક? કુંભારે કહ્યુ કે આ ગધેડો મારી સો રૂપિયાની નોટ ચાવી ગયો છે.

સાર: માણસ પોતે ભણવામાં જેટલા પૈસા નાંખે છે તે મુજબ પોતાના કામના પૈસા લે છે. કોઇ એક જ કામ કરવાનો ભાવ વધુ ભણેલો વધારે લે છે અને ઓછુ ભણેલો ઓછો.

[Ref: Swadhyay Pravachan]

કાલીદાસ તે વખતે પ્રવાસ પર હતા. અને ભોજના દરબારમાં પ્રતિષ્ઠાનપુર નો પંડિત આવ્યો. તેણે રાજાને કહ્યું કે તમારા પંડિતોને મારી સાથે શાસ્ત્રાર્થ કરવા દો અને જો હું જીતુ તો મને માનપત્ર આપો કે હું સૌથી વિદ્વાન છું. ભોજને ખબર પડી કે કાલિદાસ નથી તેથી જ આ પંડિત અહિં આવ્યો છે. અને કાલિદાસ સિવાય તેની સાથે શાસ્ત્રાર્થ કોણ કરી શકે? અને તેને તેવું માનપત્ર આપવું પણ વ્યાજબી ન હતુ.

ભોજ ચિંતામાં નદી તીરે ફરતા હતા ત્યાં ગાંગો તૈલી મળ્યો. તેણે રાજાને ચિંતાનું કારણ પુછ્યું. રાજાએ નાછુટકે બધુ કહ્યુ. ગાંગો તૈલી વિચારીને કહે કોઇ ચિંતા કરો મા. તેની સાથે શાસ્ત્રાર્થ હું કરીશ. રાજાને થયુ આ ગાંગો તૈલી શું કરવાનો હતો. મારા દરબારમાં મોટા મોટા પંડિતો છે જે કશુ કરી શક્તા નથી તો ગાંગો તૈલી શું કરશે. ગાંગાએ કહ્યું કે તમે નગરમાં વાત ફેલાવી દો કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે ચર્ચા કરશે.

રાજા પાસે બીજો કોઇ ઊપાય પણ ન હતો. તેથી તેણે જે થાય તે થવા દો માની નગર માં જાહેરાત કરી કે કાલિદાસ ના ગુરુ આવ્યા છે અને પંડિત સાથે તે વાદવિવાદ કરશે.

બીજા દિવસે ગાંગો તૈલી બની ઠની ને સભામાં આવ્યો. પંડિત તો કાલિદાસના ગુરુ આવ્યા છે સમજીને મનમાંજ હારી ગયો હતો. રાજાએ વાદવિવાદ શરુ કરવાનું કહ્યુ.
પંડિતે એક આંગળી ઉંચી કરી. ગાંગાએ બે આંગળી બતાવી.
પંડિતે પાંચ આંગળી બતાવી. ગાંગાએ મુઠી બતાવી.

પંડીત ઉભો થઇને ગાંગાને પગે લાગ્યો અને રાજાને કહ્યુ કે પોતે હારી ગયો છે. આમની સાથે વાદવિવાદ કરવા જેવું બીજુ કશુ છે નહી. બધા આશ્ચર્ય પામ્યા કે વાત થઇ શું અને પંડિત હાર્યો કેવી રીતે.

આથી રાજાએ પંડીતને પાછળથી બોલાવી પુછ્યુ કે શાસ્ત્રાર્થ શું થયો?

પંડીતે કહ્યુ કે કાલિદાસના ગુરુને મારાથી તો શુ પુછાય? તેથી મેં એક આંગળી ઉંચી કરી કે તત્વ એક જ છે – શિવ. તેમણે બે આંગળી ઉંચી કરી કહ્યુ કે તે દ્વેત રૂપે વ્યાપ્ત છે – શિવ અને શક્તિ, જગત અને જગદીશ, પરમાત્મા અને પ્રકૃતિ.

મેં પાંચ આંગળી બતાવી કે તેને સમજવ માટે પાંચ ઇન્દ્રીયો છે. તો તેમણે મુઠ્ઠી બતાવી કે બધી ઇન્દ્રીયો કાબૂમાં હોવી જોઇએ.

રાજાએ તેને ખુશ થઇ ઇનામ આપી જવા દીધો. પછી ગાંગાને બોલાવ્યો કે તે શાસ્ત્રાર્થ શુ કર્યો?

ગાંગાએ પોતાની અદામાં જ કહ્યુ કે આ બધા પંડિતો ડરપોક છે. હું એક આંખે કાણો છુ તેથી તેણે એક આંગળી બતાવી કે મારી એક આંખ ફોડી નાંખશે. મેં તેને બે આંગળી બતાવી કે હું તારી બન્ને આંખ ફોડી નાંખીશ. પછી તેણે પંજો બતાવ્યો કે તે મને લાફો મારશે તો મે તેને મુઠ્ઠી બતાવી કે હુ તને મુક્કો મારીશ. બસ, તે ડરીને હારી ગયો.

રાજાએ ગાંગાને પણ ઇનામ આપી વિદાય કર્યો.

તાત્પર્ય: વિદ્વાન માણસ કોઈ પણ વાતને પોતાની રીતે સમજે છે અને તેનો સાચો અર્થ કરે છે. સજ્જન માણસો સાનમાં સમજી જાય છે. આપણામાં રહેલી ઇન્દ્રીયો ભગવાને બનાવેલી છે. તેથી તે સજ્જન છે. તે આપણા પર આધિપત્ય જમાવીને બેઠી છે. જો આપણે ભગવાનનું નામ પણ લઇશુ તો તે સમજી ને પંડિતની માફક હારી જશે.

[Ref: Swadhyay Pravachan]

ભારતમાં લોકોનો પશુપ્રેમ અદ્વિતિય છે. પાળેલ પશું ઘરનું સભ્ય જેવું બની જાય છે. ખેડૂત ગમાણમાં સૂએ અને તમે પુછો કે ત્યાં એકલો કેમ સૂતો છે? તો કહે છે કે એકલો ક્યાં છુ આ ગાય ને ભેંસો છે ને!.

રોહામાં આર્થિક કારણથી કોઇ ખેડૂતને પોતાના બળદ વેચવા પડે તેમ હતા. તેથી તે ખેડૂત તાત્યા ને વચ્ચે રાખી (બ્રાહ્મણો ત્યારે સ્વૈચ્છિક રીતે મધ્યસ્થી કરતા) કોઇને સો રૂપિયામાં બળદ વેચવા કચવાતે મને તૈયાર થયો. સોદો પાકો થવાનો જ હતો તે પહેલા તે ખેડૂત ગામમાં જઇ એક બીજા ગ્રાહકને શોધી લાવ્યો અને તાત્યાને કહ્યું કે મારે બળદ આ નવા ગ્રાહકને વેચવા છે પેલા ને નહિ.

તાત્યાએ પુછ્યું કે શું તને એ વધારે પૈસા આપે છે?
ખેડૂતે કહ્યું કે ના તે મને ૭૫ રૂપિયા આપવાનો છે.
સૌને નવાઇ લાગી કે આ ખેડૂત ઓછા પૈસામાં બળદ વેચવા કેમ તૈયાર થયો? તેને પુછ્યુ તો કહ્યું કે આ પંચોતેર રૂપિયા વાળા ગ્રાહકને બીડી પીવાની ટેવ છે

જ્યારે સો રૂપિયા વાળાને કોઇ જ ટેવ નથી. વ્યસની ખેડૂત જ્યારે મારા બળદથી ખેતી કરશે તો વચ્ચે વચ્ચે બીડી પીવા ઉભો રહેશે અને મારા બળદને આરામ મળશે. પેલો ખેડુત તો ઉભો જ નહી રહે તેથી બળદને બહુ મજૂરી કરાવશે.

આ સાંભળીને બધા છક જ થઇ ગયા. વ્યસનની પણ કોઇ કિંમત હોય છે તેવું આ ઉદાહરણ હતુ.

સાર: માણસમાં ભાવ હોવો જોઇએ. તે પશુ પ્રત્યે પણ એટલો જ હોઇ શકે જેટલો બીજા માનવી પ્રત્યે.

[Ref: Swadhyay Pravachan]